ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આજે આણંદ જિલ્લાની મુલાકાતે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આજે આણંદ જિલ્લાની મુલાકાતે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાને રૂ.૨૨૮.૮૦ કરોડના ૯૦ જેટલા વિકાસ પ્રકલ્પોની આપશે ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ૧ લી ફેબ્રુઆરીને શનિવારના રોજ બોરસદ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધશે.
મુખ્યમંત્રીશ્રી સુણાવ ખાતે કેળવણી મંડળનો કાર્યક્રમ, વિરસદ ખાતે સદગુરુ વંદના મહોત્સવ અને ખંભાત તાલુકાના રાલજ મુકામે સામજિક પ્રસંગમાં ઉપસ્થિત રહેશે
આણંદ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આણંદ જિલ્લામાં બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકાના ૯૦ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૨૨૮.૮૦ કરોડના ૯૦ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૮ પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૫૭ પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના ૧૫ પ્રકલ્પો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ ના ૪ પ્રકલ્પો, પ્રાથમિક શિક્ષણ વિભાગના ૬ પ્રકલ્પો સહિત અન્ય વિકાસ પ્રકલ્પો મળી કુલ ૯૦ જેટલા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧ લી ફેબ્રુઆરીને શનિવારના રોજ બપોર બાદ ૩-૪૫ કલાકે સોજીત્રા હેલિપેડ ખાતેના આગમન બાદ સુણાવ ખાતેના કેળવણી મંડળના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બોરસદ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શ્રી વિરસદ ખાતે સદગુરુ વંદના મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ખંભાત તાલુકાના રાલજ મુકામે સામજિક પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર છે.
આ વેળાએ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિતિ રહેશે.
-૦-૦-૦-