ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં યુવાનોએ નવી ટેકનોલોજીકલ અને ઇનોવેશન સાથેની દુનિયા માટે તૈયાર થવું આવશ્યક છે- વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં યુવાનોએ નવી ટેકનોલોજીકલ અને ઇનોવેશન સાથેની દુનિયા માટે તૈયાર થવું આવશ્યક છે- વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા
ચારૂસેટ કેમ્પસના રજત જયંતી પર્વ નિમિત્તે
14મા પદવીદાન સમારંભમાં કુલ 2725 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત: 39 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અને 37 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી પ્રદાન
મુખ્ય અતિથિ તરીકે વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા દ્વારા દિક્ષાંત પ્રવચન
આણંદ ટુડે | ચાંગા
સન 2000માં સ્થાપિત ચારૂસેટ કેમ્પસની રજત જયંતી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ, ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ ત્રણ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવિષ્ટ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 14મો પદવીદાન સમારંભ 4 જાન્યુઆરી, 2025ના રોજ શનિવારે ચારૂસેટ કેમ્પસમાં યોજાયો હતો. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતાએ દિક્ષાંત પ્રવચન આપ્યું હતું. અધ્યક્ષસ્થાને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં કુલ 1069 વિદ્યાર્થિનીઓ અને 1656 વિદ્યાર્થીઓ સહિત કુલ 2725 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 39 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 24 વિદ્યાર્થિનીઓ અને 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. જ્યારે 14 વિદ્યાર્થિનીઓ અને 23 વિદ્યાર્થીઓ સહિત કુલ 37 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ચારૂસેટની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 158, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 380, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 254, ફેકલ્ટી ઓફ સાયન્સના 235, ફેકલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 576, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1122 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી જેમાં અંડર ગ્રેજયુએટ 2103, પોસ્ટ ગ્રેજયુએટ 547, પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા 42 અને પી. એચ. ડી. 37 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે ચારૂસેટના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અને અત્યાર સુધીમાં કુલ 13 પદવીદાન સમારંભમાં 400 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે ત્યારે 14મા પદવીદાન સમારંભમાં પણ શુદ્ધ સુવર્ણના ચંદ્રકો આપવામાં આવ્યા હતા જેમાં 39 ગોલ્ડમેડલ અર્થે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મુખ્ય અતિથિ શ્રી સુધીર મહેતા, ચારૂસેટ અને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, પદાધિકારીઓ તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રાનું શામિયાણાના મુખ્ય મંચ ખાતે સમાપન થયું હતું.