AnandToday
AnandToday
Thursday, 23 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આંબલીયારા પરગણા રબારી સમાજ દ્વારા  જીતપુરમાં ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો

૧૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

રબારી સમાજમાં શિક્ષણની સાથે  સમાજ સુધારણાનું ક્રાંતિકારી કાર્ય થઈ રહ્યું છે: મહંતશ્રી ગણેશદાસજી મહારાજ

સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત: મહંતશ્રી માનસરોવરદાસજી

બાયડ 
આંબલીયારા પરગણા રબારી સમાજ અને પરગણાના રબારી સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ખાતે પરગણાના ૨૯ ગામોના સહયોગથી ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.આ સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.

  આ અવસરે રબારી સમાજના ધર્મગુરુ ઝાક વડવાળા ગુરૂગાદીના મંદિરના મહંત ૧૦૦૮ શ્રી ગણેશદાસ મહારાજ,ચનવાડા આશ્રમના મહંતશ્રી માનસરોવરદાસ બાપુ,રામજી મંદિર નાણાંના મહંત ૧૦૮ શ્રી જદુરામ સાધુ ઉપસ્થિત રહી નવયુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા.

     સમૂહલગ્નમાંજુદા જુદા ગામોના વડીલો, આગેવાનો હોદ્દેદારો, સમાજના આગેવાનો સહિત છ હજાર લોકો હાજર રહ્યા હતા.  સમૂહ લગ્ન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 23 બોટલો બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેમ્પમાં ૨૦૦૦ થી થી વધુ લોકોએ આરોગ્યની ચકાસણી કરાવી હતી.
 
ચતુર્થ સમૂહ લગ્ન સ્થળે ત્રણ લાખથી વધારે રોકડ દાન મળ્યું હતું.રબારી સમાજના ૧૨ સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ધો. ૧૦ અને ધો.૧૨ માં ૮૦ ટકાથી વધુ ગુણ મેળવનાર  સમાજના તારલાઓનું મહંતશ્રીના હસ્તે  સન્માન કરવામાં આવ્યું હતું.
  
શ્રી ગણેશદાસ બાપુએ જણાવ્યું કે આંબલીયારા પરગણા રબારી સમાજ સમય સાથે કદમ મિલાવી ૨૧ સદીને અનુરૂપ આગળ વધી રહ્યો છે.જેને પરિણામ સ્વરૂપ સમાજમાં શિક્ષણની સાથે  સમાજ સુધારણાનું ક્રાંતિકારી કાર્ય થઈ રહ્યું છે,જે સમાજ માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે.
   તેમણે ચાર સમુહ લગ્નના સફળ આયોજન બદલ વિકાસ મંડળના હોદ્દેદારોને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે સમાજના યુવાનો સતત મહેનત કરી સમાજને મદદરૂપ થવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.શ્રી ગણેશદાસજી મહારાજે સમુહ લગ્નોત્સવમાં આર્થિક સહયોગ આપનાર નામી અનામી દાતાઓને પણ બિરદાવ્યા હતા.
    
ચનવાડા આશ્રમના મહંતશ્રી માનસરોવરદાસજી મહારાજે જણાવ્યું કે કોઈપણ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે.સમાજમાં શિક્ષણનો વ્યાપ અને એમાંય ખાસ કરીને કન્યા શિક્ષણનું પ્રમાણ વધારવા તેમણે ઉમેર્યું હતું.આંબલીયારા પરગણા રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યુ છે જે આવકાર્ય છે. 

બાયડ તાલુકાનાં નાના એવા ગામ પાલડીના શ્રીમતી માનસી દેસાઇએ માહિતી ખાતામાં વર્ગ ૧ ના અઘિકારી તરીકે પસંદગી પામી ગામનું ગૌરવ વધાર્યું છે. તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં રબારી સમાજમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના અભિગમને બિરદાવ્યો હતો. 

પ્રારંભમાં  મંડળના પ્રમુખ રણછોડભાઈ રબારીએ સૌનો આવકાર કર્યો હતો.આ પ્રસંગે ઉપપ્રમુખ રઘાભાઈ રબારી,મહામંત્રી માલજીભાઈ રબારી,ખજાનચી વિરમભાઇ માસ્તર, ઈશ્વરભાઈ, માલજીભાઈ જીતપુર,સુંદરભાઈ, દેવાભાઈ,કન્વીનર રણછોડભાઈ આકરુંદ જીતપુર જોધપુર ગામના યુવાનો તથા સમગ્ર પરગણાના વડીલ તથા યુવાનોએ ચતુર્થ સમુહલગ્નોત્સવ ને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી.