AnandToday
AnandToday
Saturday, 30 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

2જી ઓક્ટોબર ગાંધી જયંતીથી

સમગ્ર ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો પ્રારંભ

ગાંધી જયંતીથી સરદાર પટેલ જયંતી સુધી ગુજરાતમાં યોજાશે ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ

રાજ્યના 33 જિલ્લાઓ અને 4 મહાનગરો મળીને કુલ 37 જગ્યાઓએ આયોજિત થશે વિવિધ કાર્યક્રમો

ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ (MSMEs) રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા વિવિધ જિલ્લાઓમાં યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કાર્યક્રમ દરમિયાન 2થી 3 દિવસ માટે યોજાનાર એક્ઝિબિશન દરમિયાન ODOP હેઠળ પસંદ થયેલી પ્રોડક્ટ્સને અગ્રતા આપવામાં આવશે


આણંદ ટુડે I ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત જાન્યુઆરી 2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે સજ્જ થઈ રહ્યું છે. ત્યારે આ 10મી વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે રાજ્યમાં ગાંધી જયંતીથી લઇને સરદાર પટેલ જયંતી સુધી, એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને 04 મહાનગરો એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ કુલ  37 જગ્યાઓએ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થીમ હેઠળ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. 

મહેસાણા, પાટણ, અમદાવાદ શહેર ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કચ્છ, મોરબી, આણંદ અને રાજકોટ શહેર ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ (MSMEs) રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ સુરત શહેર, વડોદરા શહેર અને સુરત ગ્રામીણ ખાતે ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સાથે, અન્ય જિલ્લાઓમાં પ્રભારી મંત્રી શ્રી અને પ્રભારી સચિવ શ્રી વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ સ્થાનિક પદાધિકારીઓ, ઉદ્યોગ ગૃહો, એસોસિએશન અને નામાંકિત મહાનુભાવો પણ જોડાશે. 

તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસ સુધી એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે, જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP), સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (FPOs), મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરાયેલી પ્રોડક્ટ્સને અગ્રતા આપવામાં આવશે. 

આ કાર્યક્રમો માટે કેપેસિટી બિલ્ડીંગ, ઉદ્યોગ સાહસિકતા, એક્સપોર્ટ પ્રમોશન, માર્કેટ લિંકેજ માટે સેમિનાર/વર્કશોપનું આયોજન વગેરે માટે જિલ્લા વહીવટી તંત્રો દ્વારા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોરેન ટ્રેડ (IIFT), ઇન્વેસ્ટ ઇન્ડિયા, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (NID), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT), અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) જેવી સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે.

આ ઉપરાંત, ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ હેઠળ લોન મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે. લોન મેળાઓના આયોજન માટે જિલ્લા લીડ બેંક મેનેજર દ્વારા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC), નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD), સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) સાથે સંકલન કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે બે દાયકાઓ પૂર્ણ કર્યા છે, અને જાન્યુઆરી 2024માં તેની 10 આવૃત્તિ આયોજિત થવા જઇ રહી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા અને ઉત્પાદન શ્રેષ્ઠતાને પ્રદર્શિત કરશે, જેમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, નીતિ નિર્માતાઓ અને સ્વપ્નદ્રષ્ટાઓ સાથે મળીને ગુજરાતના ભાવિ વિકાસ અને સમૃદ્ધિ માટેના પથનું નિર્માણ કરશે. 

*X-X-X*