AnandToday
AnandToday
Thursday, 06 Feb 2025 18:30 pm
AnandToday

AnandToday

વિદ્યાનગરના બિલ્ડરે લુણાવાડાના NRI સાથે રૂ.1.23 કરોડ ઉપરાંતની કરી ઠગાઈ

NRIને ટુંકા ગાળામાં ઉંચુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને કરી છેતરપિંડી

વિદ્યાનગરના પ્રબોધમ ઈન્ટરનેશનલના માલિક સામે ગૂનો નોંધાયો,પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

NRI એ નાણાંની ઉઘરાણી કરતા બિલ્ડરે રૂ.1,30,72,500 ની સામે માત્ર રૂ.7,50,000 પરત આપીને બાકીના રૂ.1,23,22,500 ચાંઉ કર્યા,અને જાન થી મારી નાખવાની ધમકી પણ આપી

આણંદ
આણંદ શહેર પાસેના વિદ્યાનગર ખાતે પ્રબોધમ ઈન્ટરનેશનલના નામે રીયલ એસ્ટેટ, કોમ્સેટીક પ્રોડક્ટ તેમજ વિઝા કન્સલ્ટન્ટનું કામકાજ કરતા એક શખ્સે મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દલુખડીયા ગામના વતની અને હાલમાં કેનેડા ખાતે સ્થાયી થયેલા એક એનઆરઆઈને ટુંકા ગાળામાં ઉચુ વળતર આપવાની લોભામણી  લાલચ આપીને રૂ. ૧.૨૩ કરોડ ઉપરાંતની છેતરપીંડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે . આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ બનાને અંગે પોલીસ સુત્રોના વધુમાં જણાવ્યા મુજબ મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દલુખડીયા ગામના વતની કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ કેનેડા દેશમાં સ્થાયી થયા છે અને કેનેડીયન નાગરિકત્વ ધરાવે છે. તેઓ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયના હરિધામ સોખડા પ્રબોધ સ્વામી ગ્રુપના અનુયાયી હોય ભારત આવે ત્યારે આણંદ શહેરના  બાકરોલ તથા સોખડા મંદિરે જતા હતા. દરમ્યાન સને-૨૦૨૨માં હરિધામ સોખડા ખાતે તેમની મુલાકાત મિલનકુમાર ઉર્ફે નિશ્ચિંત મનુભાઈ પટેલ (રહે. ૧૨, તુલસી એલીગન્સ, રામભાઈ કાકા માર્ગ, વિદ્યાનગર, તા. આણંદ) સાથે થઈ હતી. જ્યાં મિલનકુમારે પોતે ૧૮ વર્ષ જેટલો સમય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી સાથે સહિષ્ણુ સેવક અવિવાહિત સાધક (હાલમાં ત્રણેક વર્ષથી લગ્ન કરેલ છે અને મંદિરમાં રહેતા નથી) તરીકે રહ્યા હોવાનું જણાવીને હાલમાં ૨૦૧-૨૦૨, નેપ્ચ્યુન સ્ક્વેર, સરદાર પટેલ સ્ટેચ્યુ વિદ્યાનગર રેલવે સ્ટેશન રોડ, વલ્લભ વિદ્યાનગરના સરનામે પ્રબોધમ ઈન્ટરનેશનલના નામથી રીયલ એસ્ટેટ, કોસ્મેટીક પ્રોડક્ટ તેમજ વિઝા કન્સલન્ટન્ટ તરીકે કામ કરું છું. મારી પાસે રૂપિયા ટૂંક સમયમાં બમણાં થાય તેવી વિવિધ પ્રકલ્પો છે તેમ જણાવ્યું હતુ. કલ્પેશકુમારે પણ પોતે કેનેડામાં એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ ચલાવતા હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ મિલનકુમારે ટૂંક સમયમાં નાણાંનું સારું એવું વળતર મળશે તેવી સીસ્ટમેટીકલી લાલચ આપી અને પોતે ધાર્મિક સેવકનો ઉપયોગ કરી કલ્પેશકુમાર પાસેથી રોકાણ કરવા માટે નાણાંની માંગણી કરી હતી.
દરમ્યાન ગત તા. ૧૮-૫-૨૦૨૨ના રોજ કલ્પેશકુમારે સૌપ્રથમ  મિલન ઉર્ફે નિશ્ચિતને રોકડા રૂા. ૫૦,૦૦૦ અને ત્યારબાદ ૧૯-૫-૨૦૨૨ના રોજ રોકડા ૫ લાખ અને ત્યારબાદ ૨૨-૫-૨૦૨૨ના રોજ રોકડા ૧૭.૫૦ લાખ એમ કરીને કુલ ૨૩ લાખ રોકડા આપ્યા હતા. જેની સામે મિલનકુમારે કરમસદ ખાતે આદિત્ય હાર્મની એપાર્ટમેન્ટમાં તેમની મમ્મી જયાબેન મનુભાઈ પટેલના નામનો ફ્લેટ નં. બી-૫૦૨ તથા ૫૦૩ તથા તેમના ઓળખીતા અમિતાબેન દિપકભાઈ દેસાઈનો ફ્લેટ નં. સી-૫૦૧ તથા ૫૦૪ સિક્યુરીટી પેટે દસ્તાવેજ કરી આપુ છું તેમ જણાવીને દસ્તાવેજમાં ચેક નંબરનો ઉલ્લેખ કરવો પડશે એટલે વોટસએપમાં ચાર બ્લેન્ક ચેકના ફોટા મોકલી આપો જેથી દસ્તાવેજમાં ચેક નંબર લખી શકાય તેવી વાત કરી હતી. જેથી કલ્પેશકુમારે મિલન ઉર્ફે નિશ્ચિતના વોટસએપમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લુણાવાડા શાખા ની બેંકના ચેકના ફોટા મોકલી આપેલ અને ત્યારબાદ ૧૯-૫-૨૦૨૨ તથા ૨૦-૫-૨૦૨૨ના રોજ ઉક્ત ફ્લેટોના દસ્તાવેજો કરી આપ્યા હતા. અને કહ્યું હતુ કે, તમારા રૂપિયા રોકાણ કરીને સારું એવું પ્રોફિટ સાથે તમને પરત કરું ત્યારે તમને આ બંને ફ્લેટના દસ્તાવેજ કેન્સલ કરી દેજો. ૧૨થી ૧૮ મહિનામાં એક કરોડ જેવા વધારાનો નફો થશે તેમ જણાવીને ૨૩ લાખના બદલામાં બે ફ્લેટોના દસ્તાવેજ કરી આપ્યા હતા. મિલનકુમાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલ હોય અને હરિભક્ત હોય જેથી કલ્પેશકુમારે વિશ્વાસમાં આવીને કુલ ૧,૩૦,૭૨,૫૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતુ. સમય જતા કલ્પેશકુમારે ઉઘરાણી કરતા અત્યાર સુધી કુલ ૭.૫૦ લાખ રૂપિયા રોકડા પરત કર્યા હતા બાકીના પૈસા યેનકેન બહાના બતાવીને આપતા નહોતા, અને તમારા પૈસા સારી સ્કીમમાં રોકાણ કર્યા છે, ત્યાંથી પૈસા આવશે એટલે પરત આપીશ તેમ જણાવ્યું હતુ. દરમ્યાન કલ્પેશકુમાર ગુજરાત પરત આવતા વિદ્યાનગર સ્થિત મિલનકુમારની ઓફિસે ગયા હતા જ્યાં તમને જે બે ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા છે અને તેમાં ચેકનો ઉલ્લેખ કર્યો છે તેના પૈસા મકાન માલિકોને હજી સુધી મળ્યા નથી. તમે કોઈ ચેક આપ્યા વગર ખોટી રીતે ફ્લેટના દસ્તાવેજ કરી લીઘા છે, મકાન માલિકો જોડે તમારા દસ્તાવેજ કેન્સલ કરીને તમારી વિરૂદ્ધ તમારા જ પૈસાનો ઉપયોગ કરીને ખોટા કેસો કરીને વિદેશ પરત જવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી. દરમ્યાન તેઓ ૯મી જાન્યુઆરીના રોજ ભેગા થતા કલ્પેશકુમારે ૨૩મી મે સુધીમાં બધી જ રકમ પરત કરી દેવાની લેખિત બાંયેધરી આપી હતી. ત્યારબાદ ૭મી જાન્યુઆરીના રોજ બાકરોલ મંદિરમાં ભેગા થતાં જ મિલનકુમારે અપમાનજક વર્તન કરીને ગંદી ગાળો બોલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને પોતાની માતાના પાવર એર્ટની તરીકે ભાઈ મનિષ પટેલ અને અમિતાબેન દિપકભાઈ દેસાઈ પાસે ફ્લેટો અંગે સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરાવી દીધો હતો. આમ, મિલનકુમારે ૧.૨૩ કરોડ પરત ના આપવા પડે માટે સીક્યુરીટી પેટે આપેલા બન્ને ફ્લેટોના માલિકો સાથે કલ્પેશકુમાર વિરૂદ્ધ ખોટા કેસો ઉભા કરી ગમે તેવા અપશબ્દો બોલી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .
આ બનાવ અંગે કલ્પેશ કુમાર કાંતિલાલ પટેલે વિદ્યાનગર પોલીસ મથકે મિલન કુમાર ઉર્ફે નિશ્ચિત મનુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે