ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ દ્વારા ‘પ્રબંધન 2026’ એક્ઝિબિશન કમ સેલનું ભવ્ય આયોજન
ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ દ્વારા ‘પ્રબંધન 2026’ એક્ઝિબિશન કમ સેલનું ભવ્ય આયોજન
આ ફ્લેગશિપ ઇવેન્ટ સતત પાંચમા વર્ષે યોજાઈ રહ્યો છે, જેમાં 425 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે
‘પ્રબંધન 2026’ દિવાળીની ખરીદી માટે તમામ વયજૂથના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું ‘વન સ્ટોપ સોલ્યુશન’
આણંદ ટુડે | ચાંગા
ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CHARUSAT) સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIIM) દ્વારા આગામી તા. 30 ઑક્ટોબરથી 2 નવેમ્બર, 2026 દરમિયાન આણંદના 80 ફૂટ રોડ પર આવેલા સરદાર પટેલ બેન્ક્વેટ હૉલ ખાતે ‘પ્રબંધન 2026’ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંસ્થાનો આ ફ્લેગશિપ ઇવેન્ટ સતત પાંચમા વર્ષે યોજાઈ રહ્યો છે, જેમાં 425 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
‘પ્રબંધન’નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાનાં કૌશલ્યો વિકસાવવાનો તથા તેમને વ્યવસાય અને બજાર વ્યવસ્થાપનનો પ્રત્યક્ષ અનુભવ આપવાનો છે. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શીખેલા સિદ્ધાંતોને વાસ્તવિક વ્યવસાયિક પરિસ્થિતિમાં અમલમાં મૂકી શકે તે માટે આ ઇવેન્ટ એક ઉત્તમ મંચ પૂરો પાડે છે. કાચા માલની ખરીદી, ઉત્પાદન અને પ્રોસેસિંગ, માર્કેટિંગ, પ્રાઇસિંગ, નફાના માર્જિનની ગણતરી, ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓની સમજ, ગ્રાહકો સાથે વ્યવહાર, વ્યવસાયિક વ્યૂહરચના તથા બજારનાં વિવિધ પરિબળોનું વિશ્લેષણ જેવી બાબતોનો પ્રત્યક્ષ અનુભવ વિદ્યાર્થીઓને આ ઇવેન્ટ દ્વારા મળે છે.
આ કાર્યક્રમના આયોજનની પ્રક્રિયા પણ વિદ્યાર્થીઓ માટે વ્યવસાયિક શિક્ષણનો અનોખો અનુભવ બની રહે છે. BBA અને MBAના વિદ્યાર્થીઓની 112થી વધુ ટીમોએ વિવિધ પ્રોડક્ટ્સ અને ફૂડ કેટેગરીમાં સ્ટોલ મેળવવા માટે ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી હતી. ત્યારબાદ અરજીઓને વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કરીને સ્ટોલની ફાળવણી માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાસ્તવિક બજારમાં વ્યવસાયની સફળતા પર અસર કરતાં વિવિધ પરિબળો, જેમ કે વેચાણના સ્થળની પસંદગી, બ્રાન્ડની વિશ્વસનીયતા, ગ્રાહકોની જરૂરિયાતો, પ્રોડક્ટનું માર્કેટિંગ, ડિસ્કાઉન્ટ ઑફર્સ, વેચાણની સંભાવના, નફાકારકતા અને લક્ષિત ગ્રાહકવર્ગને ધ્યાનમાં રાખીને સ્ટોલની હરાજી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની પસંદગીની કેટેગરીમાં સ્ટાર્ટઅપ સ્ટોલ મેળવવા માટે સ્પર્ધાત્મક રીતે બોલી લગાવી હતી. દરેક કેટેગરીમાં સૌથી વધુ બોલી લગાવનાર ટીમને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક બજાર, રોકાણના નિર્ણયો, જોખમ લેવાની ક્ષમતા અને નફાકારક વ્યવસાય ઊભો કરવાની વ્યૂહરચનાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત થયો હતો.
આ વર્ષે કુલ 41 પ્રોડક્ટ સ્ટોલ્સ અને 15 ફૂડ સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધણી કરાવનાર 105થી વધુ ટીમોએ આ સ્ટોલ્સ મેળવવા માટે હરાજીમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની વિશેષતા એ છે કે દરેક સ્ટોલને અનોખું સંસ્કૃત નામ આપવામાં આવ્યું છે, જે ભારતીય જ્ઞાનપરંપરા અને આધુનિક વ્યવસાયિક અભિગમના સમન્વયને પ્રતિબિંબિત કરે છે.
આ ઇવેન્ટનું આયોજન IIIMનાં પ્રિન્સિપાલ ડૉ. રેશ્મા સાબલે, ડીન ડૉ. રાજેશ સાધવાની અને કન્વીનર કીર્તિ પટેલના માર્ગદર્શન હેઠળ થઇ રહેલ છે. ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. બિનીત પટેલે સમગ્ર આયોજક ટીમને આ આયોજનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
‘પ્રબંધન 2026’ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ, ટીમવર્ક, સંવાદકૌશલ્ય અને વ્યવસાયિક નિર્ણયશક્તિ વિકસાવવાની સાથે આણંદ અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે દિવાળીની ખરીદી, સ્વાદિષ્ટ વાનગીઓ અને મનોરંજનનો આનંદ માણવાની એક વિશિષ્ટ તક પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ એક્ઝિબિશનમાં 12000 થી વધુ લોકોએ મુલાકાત લઇ અનેકવિધ પ્રોડક્ટની ખરીદી કરી આ ઇવેન્ટને અત્યંત સફળ બનાવ્યો હતો.
વિવિધ કેટેગરીમાં આકર્ષક અને નવીન પ્રોડક્ટ્સનું વેચાણ
‘પ્રબંધન 2026’ દિવાળીની ખરીદી માટે તમામ વયજૂથના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું ‘વન સ્ટોપ સોલ્યુશન’ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ કેટેગરીમાં આકર્ષક અને નવીન પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવશે. તેમાં પરંપરાગત તથા વેસ્ટર્ન વસ્ત્રો, ડિઝાઇનર જ્વેલરી, ફૂટવેર, હોમ ડેકોરેશનની વસ્તુઓ, હસ્તકલાની પ્રોડક્ટ્સ, ડેકોરેટિવ લાઇટ્સ, રંગબેરંગી દીવાઓ, મીણબત્તીઓ, ફરસાણ, મીઠાઈઓ, નમકીન તથા દૈનિક જીવનમાં ઉપયોગી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્વાદરસિકો માટે વિવિધ ફૂડ સ્ટોલ્સ અને બાળકોના મનોરંજન માટે ગેમ ઝોન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
